સિંહ ગર્જનાના સ્વામી.....

૧. ૮૬ શિષ્યો પ્રશિષ્યોને સંયમ જીવનનું પ્રદાન અને કદાચ વર્તમાનના ૧૦૦૦થી વધુ સાધુ - સાધ્વીજી ભગવંતોના જીવન પરિવર્તનના જનેતા, અનેક મુમુક્ષુઓને સંયમના આશીર્વાદ.

૨. ૧૦૦ થી વધુ આયંબીલ - ઓળી કરનાર ૭ શિષ્યો, ૯૦ થી ઉપર ૩ શિષ્યો, સળંગ ૧૦૦૦ આયંબીલ ૫ શિષ્યો, સળંગ ૫૦૦ આયંબીલ ૧૩ શિષ્યો. વર્તમાનના તપસ્વી સમ્રાટ પૂ. હેમવલ્લભવિજયજી મ.સા. જેમણે ૫૦૦૦ થી વધુ સળંગ આયંબીલ તપ કરેલ છે અને આજીવન કરવાની ભાવના છે તેમના ગુરુદેવ.

૩. ગુરુદેવ પ્રેમસૂરીશ્વરજી મ.સા. આદિ ગુરુ ભગવંતોની અદ્ભુત વૈયાવચ્ચ લગભગ ૬૦ વર્ષ અખંડિત ૧૦૮ ઉવસગ્ગહરંનો જાપ, છેલ્લી પળ સુધી નિયમિત ગચ્છાધિપતિ પાસે પ્રાયશ્ચિત, જાહેરમાં નાનીસી ભૂલનો પણ એકરાર - શુદ્ધિ સમ્રાટ હતા.

૪. પંન્યાસજી પદ હોવા છતાં સમુદાયના પર્યાયમાં નાના આચાર્ય ભગવંતો દ્વારા વંદન કરાતા ઐતિહાસિક બહુમાન પામનારા વિરલ મહાપુરુષ આચાર્ય પદવી ન લીધી હોવા છતાં શ્રી સંઘનું ભાવાચાર્ય જેવું બહુમાન.

૫. યુવા વયમાં ૨૦,૦૦૦ થી વધુ ગાથાઓ કંઠસ્થ કરી હતી. અભ્યાસને સ્વાધ્યાયમાં શરીર પ્રત્યે કાળજી ન લેતાં એમના ગુરુદેવે દિવસમાં ૧૦૦થી વધુ ગાથા ન ગોખવાની મર્યાદા આપવી પડી.

૬. પ્રખર ગુણાનુરાગી, ગચ્છ, પંથ કે ધર્મના ભેદ વિના કોઈના પણ ગુણોની જાહેરમાં પ્રશંસા કરતા, અનુમોદના કરતા.

૭. જૈન સંઘની એકતા માટે મુનિ સંમેલનો આદિ દ્વારા વિશિષ્ટ યોગદાન, અનેક સંઘો, સંસ્થાઓ, ટ્રસ્ટમાં એકતા અને વિશ્વાસનું વાતાવરણ સર્જી આપ્યું.

૮. પૂ. સાધુ - સાધ્વીજી ભગવંતોના સંયમ જીવનને વાચનાઓ દ્વારા નવપલ્લવિત કર્યા. 'વિરતિદૂત' માસિક દ્વારા પૂજનીય સાધુ - સાધ્વીજી ભગવંતોને સંયમ જીવનનું સુંદર માર્ગદર્શન.

૯. પરમાત્મા મહાવીર પ્રત્યે અતિ લગાવ હજારોની હાજરીમાં પ્રવચનમાં પ્રભુ પર થયેલ ઉપસર્ગોનું વર્ણન કરતા ધ્રુસકે ધ્રુસકે રડી પડતા જગતના લોકોના દુ:ખ અને પાપચી વ્યચિત થઈ પ્રવચનમાં આંસુ પડી જતા.

૧૦. રવિવારીય શિબિરની શરૂઆત થકી લાખો યુવાનો-યુવતીઓના જીવન પરિવર્તન કરી વિશાલ પાયે જૈન સંઘની કાયાપલટ, યુવાનો - યુવતીઓને આચાર - ચુસ્ત બનાવ્યા.

૧૧. શિબિરો અને હૃદયસ્પર્શી પ્રવચનથી જીવન પરિવર્તન પામેલા ૩૦,૦૦૦ થી વધુ યુવાનો અને યુવતીઓની ભવ - આલોચના કરાવી જીવન શુદ્ધિનું પ્રદાન.

૧૨. અશ્રુની આરાધના એટલે પૂજ્યશ્રીનું 'પ્રભુમિલન' ગીત-સંગીત અને સંવેદનાથી છલકાતા પ્રભુમિલનમાં હજારો ભાવુકો સાથે પૂજ્યશ્રી ખૂબ રડ્યા. પેરેલાઈઝ થયેલા હ્રદયમાં ભીનાશ ઉત્પન્ન કરવાનું કાર્ય 'પ્રભુમિલન'એ કર્યું.

૧૩. યુવાન બહેનો અને કોલેજ જતી કન્યાઓની સંસ્કરણ શિબિરો કરી જીવન પરિવર્તન કર્યા, 'વિરતિ વૃંદ'ની સ્થાપના દ્વારા બહેનોને ધાર્મિક તેમજ સામાજીક કાર્યોમાં સક્રિય કર્યા.

૧૪. ૩૫૦થી વધુ લખેલ પુસ્તકો દ્વારા બાળકો, યુવાનો, બહેનો, વડીલો, શ્રીમંતો, શિક્ષિતો, રાજકારણી, સાધુ અને સાધ્વીજી ભગવંતો તમામને અનુલક્ષીને તેમણે દરેકને સંલગ્ન વિષયો પર તેજસ્વી કલમે પ્રકાશ ફેંક્યો.

૧૫. ૨૫ વર્ષથી લગાતાર મુક્તિ દૂત' માસિક દ્વારા તત્વજ્ઞાન, ચિંતનો, શૌર્યભર્યા લેખો, ટયુકડી કથાઓ અને સળગતી સમસ્યાઓના ઉકેલો બતાવી લાખો લોકોને ધર્મ માર્ગે સ્થિર કર્યા.

૧૬. રાજકારણ, પર્યાવરણ, સામાજિક સમસ્યાઓ ઉપર ભવિષ્યમાં ઊભી થનાર પરિસ્થિતિ પર પ્રકાશ પાડયા, તેઓ ચિંતકની સાથે દ્રષ્ટા હતા. ૨૫-૩૦ વર્ષ પહેલા બતાવેલી કેટલીયે શકચતાઓ આજે વાસ્તવિક બની છે.

૧૭. શિક્ષણ સાથે સંસ્કરણ આપતું ગુરુકુળ એટલે તપોવન - રાષ્ટ્ર, સંસ્કૃતિ અને ધર્મના રક્ષક તૈયાર કરતા બે તપોવનોનું સર્જન આજે ભૂતપૂર્વ તપોવની વિદ્યાર્થીઓ અનેક ક્ષેત્રોમાં સંઘ અને શાસનની સેવા કરે છે.

૧૮. 'સંસ્કૃત પાઠશાળા'ના સાર્જન દ્વારા તૈયાર થયેલ અનેક પંડિતો આજે પૂજનીય સાધુ-સાધ્વીજી ભગવંતોને અભ્યાસ કરાવે છે. સાથે ભારતની કેટલીય પાઠશાળાઓને શિક્ષકો પહોંચાડી હજારો બાળકોના સંસ્કરણ કરાવ્યા.

૧૯. પાઠશાળાઓને જીવંત કરવા, શિક્ષકોનું બહુમાન, આર્થિક સહાય તેમજ બાળકોને રસ પડે, આકર્ષણ થાય તેવી સરળ ભાષામાં જૈન તત્ત્વજ્ઞાનના અભ્યાસક્રમ તૈયાર કરાવ્યા.

૨૦. અંતરીક્ષજી તીર્થ રક્ષાર્થે સ્વયં ત્રણ ચાતુર્માસ કર્યા. ગીરનાર તીર્થ રક્ષાર્થે શિષ્યોને ચાતુર્માસ માટે મોકલ્યા. ભારતભરના તીર્થોની રક્ષા કાજે તીર્થ રક્ષા ટ્રસ્ટની સ્થાપના કરી અનેક તીર્થરક્ષાના કાર્યો કર્યા.

૨૧. ભગવાન મહાવીરની ૨૫૦૦ વર્ષની રાષ્ટ્રીય ઉજવણીમાં ઉપવાસ આંદોલન દ્વારા અશાસ્ત્રીય ઉજવણીને સફળતાપૂર્વક દૂર કરાવી. ધર્મ પરના કોઈપણ આક્રમણ સામે તેઓ સિંહગર્જના કરતા, અટકાવવા ફુદી પડતા, શાસન રક્ષક હતા.

૨૨. ૩૦૦થી વધુ યુવાનોને ઘરે ગૃહ જિનાલય તેમજ ઘણા શિખરબંધી જિનાલયોની પ્રતિષ્ઠા, પ્રાચિન તીર્થોના જીર્ણોદ્ધાર પણ તેમના માર્ગદર્શનથી થયા.

૨૩. બે તપોવનમાં વિશાળજ્ઞાન ભંડારનું સર્જન કર્યું. અનેક અપ્રાપ્ય બહુમૂલ્ય શાસ્ત્રીય ગ્રંથો પ્રાપ્ત કર્યા. પૂજનીય સાધુ સાધ્વીજી ભગવંતોને અભ્યાસ માટે ગ્રંથો મળી રહે તેવી વ્યવસ્થા કરાવી.

૨૪. દેશ-વિદેશમાં પર્યુષણ આરાધના કરાવવા માટે યુવાનોને તેમજ તપોવની બાળકોને વાચના દ્વારા તૈયાર કર્યા. ૩૦ વર્ષથી ચાલતી આ પ્રવૃત્તિથી ૧૦૦૦થી વધુ જૈન સંઘોમાં હજારોને ધર્માભિમુખ કર્યા.

૨૫. ૧૦૦૦થીયે વધુ સાધર્મિક પરિવારો માટે આવાસ યોજના, દેરાસર, ઉપાશ્રય, પાઠશાળા, આયંબિલ શાળાની નજીક લાવી તેમના જીવનમાં નવી આશા, નવી શાંતિ, નવું સુખ અને નવા સંસ્કાર આપ્યા.

૨૬. રાત્રી ભોજન ત્યાગની સરળતા રહે તે માટે મુંબઈ અમદાવાદ જેવા શહેરોમાં "ચૌવિહાર હાઉસ"ની પ્રેરણા કરી હજારો લોકોને રાત્રી ભોજનના ત્યાગમાં જોડી દીધા.

૨૭. ગચ્છ કે પક્ષ આદિના ભેદભાવ વિના 'વૈયાવચ્ચ ધામ' દ્વારા પૂ. સાધુ - સાધ્વીજી ભગવંતોની વૈયાવચ્ચ અને શ્રી જિનશાસન ટ્રસ્ટ દ્વારા વિહાર ક્ષેત્રોમાં ઉપાશ્રય સર્જન.

૨૮. તેમની પ્રેરણા કે નિશ્રામાં થતા શિબિરો, પ્રવચનો, આયોજનો કે કાર્યક્રમોમાં સાદગી અને કરકસરના કટ્ટર આગ્રહી રહેતા શિબિરોનો જમણવાર પણ માત્ર ૪ થી ૫ દ્રવ્યનો જ રહેતો.

૨૯. તેમની પ્રેરણાથી ચોવિહાર છઠ્ઠ કરીને સિદ્ધાચલની સાત યાત્રામાં ૧૩૨૫ યુવાન યાત્રિકોએ જોડાઈ રેકોર્ડ કર્યો. મુંબઈથી સ્પેશિયલ ટ્રેન દ્વારા યાત્રિકોને લઈ જવામાં આવ્યા હતા.

૩૦. તામિલનાડુમાં સુનામી, ઓરિસ્સામાં ભુખમરો, બુંદેલખંડનો દુષ્કાળ, સુરતનો પ્લેગ અને પૂર, મુંબઈના પૂર, કચ્છ અને લાતુરમાં ભૂકંપ, મોરબી ડેમ હોનારત, બિહાર પ્રલય જેવા અનેક કુદરતી હોનારતમાં યુવાનો દ્વારા સ્થળ પર પહોંથી કરોડો રૂપિયાના રાહત કાર્યો કરાવી જૈન શાસનનો ડંકો વગડાવ્યો.

૩૧. વર્ધમાન સંસ્કાર ધામ (મુંબઈ) સંસ્કૃતિ રક્ષક દળ (ગુજરાત, મહારાષ્ટ્ર)ના અનેક કેન્દ્રોની સ્થાપના દ્વારા હજારો જીવન પરિવર્તન પામેલા યુવાનોને સંઘના કાર્યો, સાધર્મિક ભક્તિ, માનવતા, જીવદયા આદિ કાર્યોમાં સક્રિય કર્યા.

૩૨. રામાયણ, મહાભારત અને ગીતા પરના જાહેર પ્રવચનો દ્વારા લાખો જૈન-અજૈન કુટુંબોને વ્યસનમુક્ત, પરિવાર પ્રેમી, રાષ્ટ્રપ્રેમી બનાવ્યા.

૩૩. વેણીશંકર વાસુ લેખિત વિશ્વ મંગલ ગ્રંથમાળાનું પ્રકાશન કરી આર્યાવર્તની અહિંસક જીવનરીલીને જીવાડવાનો પ્રયોગ કર્યો.

૩૪. ગર્ભપાત, બિભત્સ ફિલ્મ, અશ્વીલ ટી.વી. કાર્યક્રમ, સેક્સ એજ્યુકેશન અટકાવવા જનઆંદોલનો કર્યા. કોર્ટ કેસ, પ્રદર્શનો, સભાઓ, રેલીઓ આદિ દ્વારા વ્યાપક પ્રયાસ.

૩૫. ઠેર ઠેર ‘મહાવીર ખીચડી ઘર' દ્વારા એક ટંકનું ભોજન આપવાની પ્રેરણા થકી લાખો ગરીબોને શાતા આપી. ગરમીના દિવસોમાં છાસ કેન્દ્રો, શિયાળામાં ધાબળા વિતરણ કરાવ્યા.

૩૬. વૃદ્ધાશ્રમો, અનાથઆશ્રમ, સરકારી સ્કૂલો તેમજ હોસ્પિટલ આદિમાં બાળકો, વૃદ્ધો, અપંગો, દર્દીઓને જૈન સંઘ દ્વારા વિવિધ સહાયની પ્રેરણા, કારગીલ યુદ્ધમાં શહિદ થયેલા સૈનિકો માટે કાયમી સહાય.

૩૭. ૫૬૦૦૦ કતલખાના શરૂ કરવાના આયોજન પંચના પ્રસ્તાવને દિલ્હીના વિજય ચોકમાં આત્મવિલોપન કરવાની તૈયારી સાથે જવલંત ઐતિહાસિક આંદોલન કરી કેન્દ્ર સરકારને પ્રસ્તાવ રદ્દ કરવા મજબૂર કરી.

૩૮. ૨૫ વર્ષ પહેલા ગુજરાતના ત્રણ વર્ષના દુષ્કાળમાં પશુઓને બચાવવા મુંબઈમાં અઢી કરોડના ફંઠનો સંકલ્પ કર્યો. મુંબઈના જૈન સંઘોએ અબોલ પશુના જીવનદાતાને અઢીને બદલે ત્રણ કરોડ રૂપિયા ભેગા કરી આપ્યા.

૩૯. મુંબઈમાં દેવનાર કતલખાનાનું ૨૦૦ કરોડના ખર્ચે ચનારૂ આધુનિકરણ ઉગ્ર આંદોલન દ્વારા સફળતાપૂર્વક અટકાવ્યું. ૧૯૯૨માં મુંબઈમાં ૬૦૦ નવા કતલખાના ખોલવાના સુધરાઈના નિર્ણયને આંદોલન દ્વારા બંધ કરાવ્યા.

૪૦. ગુજરાત સરકારને સંપૂર્ણ ગૌ-વંશ હત્યા પ્રતિબંધ માટે એલાને જંગ છેડયો, મુખ્ય પ્રધાન ચીમનભાઈ પટેલે જંગ સામે નમતું જોખી સંપૂર્ણ ગૌવંશ હત્યા પ્રતિબંધ દાખલ કર્યો.

૪૧. જીવ બચાવો અભિયાનની અંદર જીવ રક્ષાની ટીમો તૈયાર કરી વિશેષ કરીને બકરી ઈદ દરમ્યાન અત્યાર સુધીમાં ૪૦,૦૦૦થી વધુ જીવોને અભયદાન આપી પાંજરાપોળોમાં સમાવી દીધા સાથે પાંજરાપોળોને પશુઓના નિભાવ માટે ફંડ કરી આપ્યું.

૪૨. પશુ પક્ષીઓની સારવાર માટે હાલતી ચાલતી 'મંગલ વર્ધની' એમ્બ્યુલન્સ સેવા મુંબઈ તેમજ ગુજરાતમાં ચાલુ કરાવી સેંકડો પશુ-પક્ષીઓના જીવન બચાવ્યા.

૪૩. ૮૦ કરોડના ખર્ચ ૨૦ વર્ષ પૂર્વે કલકતામાં ખૂલનારા કતલખાનાને બંધ કરાવવા લાંબી કાનૂની લડત કરી કતલખાનું થતું અટકાવ્યું, ગુજરાતમાં પર્યુપણામાં કતલખાના બંધ કરાવવા સુપ્રીમ કોર્ટમાં સફળ કાનૂની લડત કરી.

૪૪. ૧૦૦થી વધુ પાંજરાપોળો માટે મોટું ફંડ કરાવી સદ્ધર કરી. પાંજરાપોળો માટે ગોચર, વૃક્ષો, તળાવો બનાવી પગભર કરવાના કાર્યને વેગ આપ્યો, પાંજરાપોળોમાં પશુ સારવાર કેન્દ્રો શરૂ થયા.

૪૫. જાનના જોખમે ગેરકાનૂની રીતે કતલખાને જતા પશુઓને બચાવનારા કાર્યકરોને તમામ પ્રકારની સહાય કરાવી કાનૂની લડત માટે પણ જરૂરી માર્ગદર્શન પૂરું પાડયું.